Na Vegandharaniya blog by Dr Divyarani Patel BAMS

ન વેગાન્ધારણીય: શરીર ના 13 વેગો જે ક્યારેય રોકવા જોઈએ નહીં – ચરક સંહિતા મુજબ

ન વેગાન્ધારણીય – શરીર ના વેગો ને ન રોકવાના નિયમો

આયુર્વેદ માં આચાર્ય ચરક ને ‘ફાધર ઓફ મેડિસિન’ કહેવામાં આવે છે. તેમના દ્વારા ચરક સંહિતા લખવામાં આવી છે. ચરક સંહિતા ના સૂત્ર સ્થાન ના 7માં અધ્યાય માં મનુષ્ય એ સ્વસ્થ રહેવા માટે શરીર ના કયા વેગો ને શા માટે ન રોકવા જોઈએ એની વાત કરવામાં આવી છે.


न वेगान् धारयेद्धीमान् जातान् मूत्रपुरीषयोः।
न रेतसो न वातस्य न वम्याः क्षवथोर्न च।।
नोद्गारस्य न जृम्भाया न वेगान् क्षुत्पिपासयोः।
न बाष्पस्य न निद्राया निःश्वासस्य श्रमेण च।।

(ચરક સંહિતા, સૂત્ર સ્થાન 7/3-4)

સ્વસ્થ રહેવાની ઈચ્છા ધરાવતા મનુષ્ય એ મૂત્ર, મળ, વીર્ય, અપાનવાયુ, ઊલટી, છીંક, ઓડકાર, બગાસા, ભૂખ, તરસ, આંસુ, ઊંઘ અને શ્રમ થી ઉત્પન્ન થયેલ શ્વાસ નો વેગ – આ 13 ઉત્પન્ન થયેલા વેગો ને એટલે કે શરીર ની બહાર નીકળી જવાના ધસારા ને રોકવા નહીં.

શરીર ના વેગો ને રોકવા થી થતા રોગો

1. મૂત્ર નો વેગ રોકવાથી થતા રોગો:

મૂત્ર નો વેગ રોકવાથી મૂત્રાશય તથા લિંગ માં દુઃખાવો થાય છે, શિર ના રોગો તથા મૂત્ર અટકી ને આવે છે, શરીર નમી જાય છે, inguinal region માં એટલે કે સાથળો માં જકડાઈ જવા જેવી વેદના થાય છે.

2. મળ નો વેગ રોકવાથી થતા રોગો:

મળ નો વેગ રોકવાથી પેડુ માં દુઃખાવો, માથા નો દુખાવો, વાયુ ના થવી, મળપ્રવૃત્તિ માં મુશ્કેલી, પિંડી ઓ એટલે કે calf muscles માં દુઃખાવો તથા પેટ નો આફરો થાય છે.

3. વીર્ય નો વેગ રોકવાથી થતા રોગો:

વીર્ય રોકાયું હોય ત્યારે લિંગ એટલે કે penis માં તથા વૃષણ (scrotum) માં પીડા થાય છે, શરીર દુઃખે છે, હૃદય માં પીડા થાય છે, તથા મૂત્ર પણ રોકાઈ જાય છે.

4. અપાનવાયુ નો વેગ રોકવાથી થતા રોગો:

અપાન વાયુ નો વેગ રોકવાથી મળ, મૂત્ર અટકી પડે, પેટ માં આફરો ચડે, પેટ માં દુઃખાવો થાય, ક્લમ અને ગ્લાનિ થાય અને બીજા વાયુ જન્ય રોગો પણ પેટ માં થાય.

5. ઉલટી નો વેગ રોકવાથી થતા રોગો:

ઉલટી ના વેગ ને રોકવા થી શરીર પર ખંજવાળ, કોઠ, અરુચિ, કાળા ડાઘ, શરીરે સોજા, પાંડુ રોગ, તાવ, કોઢ, ઊબકા, રતવા વગેરે રોગો થાય છે.

6. છીંક રોકવાથી થતા રોગો:

છીંક રોકવાથી ગળા ની નસો નું ખેંચાઈ જવું, જકડાઈ જવું, માથા નો દુખાવો, અર્દિત (મોઢું વાંકું થઈ જવું), અડધી શીશી (આધાશીશી) અને ચક્ષુ આદિ ઇન્દ્રિય નું દુર્બળપણું થાય છે.

7. ઓડકાર ના વેગ રોકવાથી થતા રોગો:

ઓડકાર ના વેગ રોકવાથી હેડકી, ઉધરસ, અરુચિ થાય છે. શરીર માં કંપ થાય. હૃદય તથા છાતી અંદર થી જકડાઈ ગયા હોય એવું લાગે.

8. બગાસા નો વેગ રોકવા થી થતા રોગો:

બગાસા નો વેગ રોકવાથી અંગો નું નમી જવું, આંચકી આવવી, સંકોચાઈ જવું, ચામડી ની બહેરાશ, કંપારી કે ધ્રુજારી જેવા રોગો થાય છે.

9. ભૂખ નો વેગ રોકવાથી થતા રોગો:

ભૂખ નો વેગ રોકવાથી કૃશતા, દુર્બળતા, વિવર્ણતા, શરીર નું તૂટવું, અરુચિ, ભ્રમ, ચક્કર જેવા લક્ષણો થાય.

10. તરસ નો વેગ રોકવાથી થતા રોગો:

તરસ નો વેગ રોકવાથી ગળું-મોઢું સૂકાય, બહેરાશ આવે, થાક લાગે, શ્વાસ અને હૃદય માં પીડા થાય.

11. આંસુ નો વેગ રોકવાથી થતા રોગો:

આંસુ નો વેગ રોકવાથી શરદી, આંખ ના રોગો, અરુચિ, હૃદય રોગ, તથા ભ્રમ થાય છે.

12. નિદ્રા ના વેગ રોકવાથી થતા રોગો:

ઊંઘ નો વેગ રોકવાથી બગાસા આવે, શરીર ભાંગે, ઊંઘ જેવું રહે, માથા ના રોગો થાય.

13. શ્રમ નો શ્વાસોચ્છવાસ રોકવાથી થતા રોગો:

પરિશ્રમ થી થાક લાગતા થયેલ શ્વાસ કે હાંફ રોકવાથી ગોળો ચડે, હૃદય રોગ, તથા મોહ કે મૂર્છા થાય છે.

ધારણીય વેગો – જેને અવશ્ય રોકવા જોઈએ

હવે આ સાથે કેટલાક એવા વેગો બતાવ્યા છે જેને અવશ્ય રોકવા જોઈએ. મન, વચન અને શરીર ના શાસ્ત્ર નિષેધ કર્મો ના વેગો ને અવશ્ય રોકવા જોઈએ.

મન ના શાસ્ત્ર નિષેધ કર્મો

લોભ – અયોગ્ય વિષયો ની ઈચ્છા કરવી
શોક – અત્યંત દુઃખ કરવું
ભય – ડરવું
ક્રોધ – પોતાને પ્રતિકૂળ જણાતા મન સળગી ઊઠે તે ક્રોધ
અભિમાન – પોતે બીજા કરતા ચડિયાતા છે એમ માનવું
નિર્લજ્જ પણું – શરમ ન રાખવી
ઈર્ષ્યા – બીજા ની ઉન્નતિ સહન ન થાય તે ઈર્ષ્યા
અતિરાગ – વિષયો માં અતિશય આસક્તિ તે અતિરાગ
અભિધ્યા – પારકા ધન ની લાલચ

વાણી ના નિષેધ કર્મો

અતિશય કઠોર બોલવું, કોઈ ના અનિષ્ટ નું સૂચક કે ચાડી ચુગલી વાળું અસત્ય, અકાળે યોજાયેલું કે અપ્રસંગિક હોય તે કહેવા માટે આવેલા વેગો ને રોકવા.

શરીર ના નિંદનીય કર્મો

પારકા ધન ની ચોરી, પ્રાણીઓ ની હિંસા કરવી, પરસ્ત્રી વૃત્તિ વગેરે શરીર ના નિષેધ કર્મો છે.

Conclusion

સ્વસ્થ શરીર ની ઈચ્છા રાખતા મનુષ્ય એ રોગો ની ઉત્પત્તિ ન થાય એ માટે ધારણીય અને અધારણીય વેગો ના નિયમ નું પાલન કરવું. જેથી તે સ્વસ્થ રહી શકે.

FAQ:

પ્રશ્ન 1: ન વેગાન્ધારણીય એટલે શું?
જવાબ: આયુર્વેદ માં શરીર ના જે 13 કુદરતી વેગો ઉત્પન્ન થાય ત્યારે રોકવા જોઈએ નહીં, તેને ન વેગાન્ધારણીય કહેવાય છે. જેમ કે મૂત્ર, મળ, છીંક, ઊંઘ.

પ્રશ્ન 2: વેગ રોકવાથી શું નુકસાન થાય?
જવાબ: વેગ રોકવાથી વાત દોષ વધે છે અને શરીર ની કુદરતી શોધન પ્રક્રિયા અટકી જાય છે, જેના કારણે લાંબા ગાળે માથા નો દુખાવો, પેટ ના રોગો, થાક જેવા રોગો થાય છે.

પ્રશ્ન 3: કયા વેગો ને અવશ્ય રોકવા જોઈએ?
જવાબ: મન, વાણી અને શરીર ના ખરાબ કર્મો જેવા કે લોભ, ક્રોધ, ઈર્ષ્યા, કઠોર વાણી, ચોરી, હિંસા ના વેગો ને અવશ્ય રોકવા જોઈએ.

પ્રશ્ન 4: આ નિયમ કયા ગ્રંથ માંથી છે?
જવાબ: આ નિયમ ચરક સંહિતા, સૂત્ર સ્થાન, અધ્યાય 7 માં આચાર્ય ચરક દ્વારા આપવામાં આવ્યો છે.


—
Summary in English: This article explains the 13 natural urges (Adharaniya Vegas) that should not be suppressed as per Charaka Samhita Sutra Sthana Chapter 7, and the harmful urges of mind, speech and body (Dharaniya Vegas) that must be controlled for a healthy life. Written in Gujarati for easy understanding.

લેખિકા: ડૉ. દિવ્યારાણી | સંદર્ભ: ચરક સંહિતા, સૂત્ર સ્થાન, અધ્યાય 7

About the Author

Dr. Divyarani Patel (BAMS)

Ayurvedic Physician & Panchakarma Specialist

Shlok Ayurved And Panchkarma Center, Valsad
For consultation with Dr. Dvyarani, please contact 9879542687

Dr. Divyarani Patel holds a Bachelor of Ayurvedic Medicine and Surgery (BAMS) and practices classical Ayurvedic medicine and Panchakarma therapies in Valsad. She is passionate about preventive healthcare, seasonal wellness routines (Ritucharya), and guiding individuals toward natural healing through balanced diet and lifestyle practices.

For consultations or Panchakarma treatments, visit Shlok Ayurved And Panchkarma Center, Valsad.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *